
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.)લોકભારતી, લોકસેવા મહાવિદ્યાલય, સણોસરામાં તૃતીય વર્ષના ગ્રામવિદ્યા સ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારના નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કે.સી.જી.) પ્રાયોજિત ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. સ્નાતકના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્ય, રોજગારલક્ષી સજ્જતા, વ્યવહારુ અંગ્રેજી ભાષા અને સંપ્રેષણ કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી, રાજ્યભરની કોલેજો અને ગ્રામ વિદ્યાપીઠોમાં 80 કલાકનો વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
પ્રકલ્પના ઉદ્ઘાટન પ્રસંગે લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી તથા જાણીતા લોક વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ્ ડૉ. અરુણભાઈ દવેએ, દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. પોતાના પ્રેરક ઉદ્બોધનમાં તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે, રાંધતા આવડે એ કૌશલ્ય અને પીરસતા આવડે એ અભિવ્યક્તિ. તેમણે લોકભારતીના આદ્ય સ્થાપકોના દુરંદેશી વિચારોને યાદ કરીને વ્યક્તિત્વ વિકાસમાં અભિવ્યક્તિ અને વ્યવહારુ કૌશલ્યના મહત્વ પર ભાર મૂક્યો.
આ તાલીમ કાર્યક્રમમાં ભાવનગરના જાણીતા ટ્રેનર ડૉ. છાયાબેન પારેખ અને સ્મિતભાઈ પારેખ, આગામી 20 દિવસ સુધી વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસ, સંવાદ કૌશલ્ય, રજૂઆત કૌશલ્ય, આત્મવિશ્વાસ નિર્માણ તથા રોજગારલક્ષી સજ્જતા અંગે તાલીમ આપશે. બંને તજજ્ઞો વિવિધ સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને તાલીમ ક્ષેત્રે વિશાળ અનુભવ ધરાવે છે.
ડૉ. છાયાબેન પારેખે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, લોકભારતી જેવી મૂલ્યનિષ્ઠ સંસ્થામાં તાલીમ આપવાની તક મળવી એ તેમના માટે ગૌરવની બાબત છે. તેમણે પ્રેરણાદાયી પ્રસંગો અને ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને તાલીમનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આગામી દિવસોમાં યોજાનારી તાલીમ પ્રત્યે આતુરતા વ્યક્ત કરી
હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA