પત્રકારોની તંદુરસ્તી અને માનસિક શાંતિ માટે અનોખી પહેલ: આદિપુરમાં ત્રણ દિવસીય 'હેપીનેસ પ્રોગ્રામ'નું આયોજન
કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) : સતત દોડધામ, સમયની મર્યાદા, બ્રેકિંગ ન્યૂઝનું દબાણ અને સામાજિક જવાબદારીઓ વચ્ચે કાર્યરત પત્રકારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા માહિતી કચેરી-કચ્છ અને આર્ટ ઓફ લિવિંગ ગા
હેપ્પીનેસ કાર્યક્રમની વિગતો


કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) : સતત દોડધામ, સમયની મર્યાદા, બ્રેકિંગ ન્યૂઝનું દબાણ અને સામાજિક જવાબદારીઓ વચ્ચે કાર્યરત પત્રકારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા માહિતી કચેરી-કચ્છ અને આર્ટ ઓફ લિવિંગ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે પૂર્વ કચ્છના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક તેમજ ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારો માટે આદિપુર ખાતે ત્રણ દિવસીય વિશેષ 'હેપીનેસ પ્રોગ્રામ' યોજવામાં આવશે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારોને તણાવમુક્ત, સંતુલિત અને ઊર્જાસભર જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. રોજિંદા વ્યવસાયિક જીવનમાં ઊભા થતા માનસિક દબાણને હળવું કરવાની સાથે મન અને શરીર વચ્ચે સુમેળ સ્થાપિત થાય તે માટે વિવિધ વૈજ્ઞાનિક અને વ્યવહારુ પદ્ધતિઓનો પરિચય કરાવવામાં આવશે.

પ્રશિક્ષણ દરમિયાન સહભાગીઓને સુદર્શન ક્રિયા, પ્રાણાયામ, યોગાસન, ધ્યાન તેમજ શ્વાસની વૈજ્ઞાનિક પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સકારાત્મક વિચારસરણી વિકસાવવા, કાર્યક્ષમતામાં વધારો કરવા, સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આંતરિક શાંતિનો અનુભવ કરાવતી જીવનશૈલી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

આયોજકોના જણાવ્યા મુજબ પત્રકારો સતત બદલાતી પરિસ્થિતિઓમાં કામ કરતા હોવાથી તેમના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું જતન એટલું જ જરૂરી છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય. આ હેતુને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મીડિયા ક્ષેત્રના પ્રતિનિધિઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય હેપીનેસ પ્રોગ્રામ તા. ૬ જુલાઈથી ૮ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આદિપુરની હેમુ કલાણી કોલોની સ્થિત આર્ટ ઓફ લિવિંગ સેન્ટર ખાતે યોજાશે.

જિલ્લા માહિતી કચેરી દ્વારા પૂર્વ કચ્છના તમામ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોને આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી મેળવવા અથવા નોંધણી કરાવવા માટે ૯૪૨૯૧૯૮૯૫૧ અને ૯૮૨૫૧૯૯૮૯૯ નંબર પર સંપર્ક કરી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande