ભચાઉમાં મધરાતે ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ: ફાયર ટીમની કલાકભરની જહેમતથી મોટી દુર્ઘટના ટળી
કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) ભચાઉમાં મધરાતે ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ: ફાયર ટીમની કલાકભરની જહેમતથી મોટી દુર્ઘટના ટળી ભચાઉ શહેરમાં ગત રાત્રે આશરે 2:00 વાગ્યાના સમયે હિંમતપુરા વિસ્તારમાં આવેલા PGVCLના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમા
ભચાઉમાં રાત્રે 2 વાગ્યે ડીપી માં આગ લાગી હતી


કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) ભચાઉમાં મધરાતે ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ: ફાયર ટીમની કલાકભરની જહેમતથી મોટી દુર્ઘટના ટળી

ભચાઉ શહેરમાં ગત રાત્રે આશરે 2:00 વાગ્યાના સમયે હિંમતપુરા વિસ્તારમાં આવેલા PGVCLના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલ સતત બહાર વહેતા આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ જોખમ ઊભું થયું હતું.

ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ગંભીરતા અને વીજપ્રવાહના જોખમને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ ભચાઉ શહેરનો વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર કર્મચારીઓએ ફોમ ટેક્નિકનો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

લગભગ એક કલાક સુધી સતત ચાલેલી જહેમત બાદ ફાયર ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી. સમયસર કરાયેલી કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી અને સંભવિત મોટી જાનહાનિ તેમજ મિલકતના નુકસાનને ટાળી શકાયું હતું.

આ સમગ્ર બચાવ અને અગ્નિશામક કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહી જરૂરી તકનીકી સહયોગ આપ્યો હતો.

ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ભચાઉ ફાયર ટીમની ઝડપી અને સુનિયોજિત કામગીરીને સ્થાનિકોએ પ્રશંસા સાથે બિરદાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande