ભચાઉમાં ખુનની કોશિશના કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, સાત આરોપીઓ પોલીસના સકંજામાં
કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) : ભચાઉ શહેરમાં નોંધાયેલા ખુનની કોશિશના ગંભીર ગુનાનો પૂર્વ કચ્છ પોલીસે ઝડપી ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં જ સાત આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગંભીર પ્રકારના ગુનાઓ સામે કડક વલણ અપનાવતી ભચાઉ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ
ભચાઉ ખૂન કોશિશના આરોપીઓ


કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) : ભચાઉ શહેરમાં નોંધાયેલા ખુનની કોશિશના ગંભીર ગુનાનો પૂર્વ કચ્છ પોલીસે ઝડપી ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં જ સાત આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગંભીર પ્રકારના ગુનાઓ સામે કડક વલણ અપનાવતી ભચાઉ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને કાયદાના સકંજામાં લાવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોતાની સતર્કતા અને કાર્યક્ષમતાનો વધુ એક દાખલો પુરો પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તથા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના સુચનાનુસાર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓને અટકાવવા તેમજ તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે પોલીસને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ખુનની કોશિશ સહિતના ગંભીર ગુનાની નોંધ થયા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.

ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, સ્થાનિક બાતમીદારો અને સતત તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ કેસમાં સંડોવાયેલા તમામ સાત આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

આ કેસમાં પોલીસે અકબર રફીકભાઈ ચૌહાણ, મુસ્તાક રફીકભાઈ ચૌહાણ, આસીફ નબી જુણેજા, નાસીર દાઉદભાઈ રાજા, જમીલ ગુલામહુશેન પઠાણ, સાહીલ અયુબભાઈ સોલંકી અને સરીફ મામદભાઈ કકકલને અલગ-અલગ સ્થળોએથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તથા ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે અને ગુનાને લગતા અન્ય પાસાઓની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ભચાઉ પોલીસે ગંભીર ગુનાના ભેદને અત્યંત ટૂંકા સમયમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડતાં સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકારનાર કોઈપણ તત્વ સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande