
કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા ગંભીર મનુષ્યવધના ગુનાનો ભેદ ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ઝડપી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવસૂત્રોની મદદથી પોલીસે બે આરોપીઓને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, 30 જૂન, 2026ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105, 238(ખ) અને 61(2) હેઠળ મનુષ્યવધનો ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ રચી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ અન્ય આધુનિક તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે હાજી મખ્ખણ જત અને અનવર ઉમર જત, બંને રહે. ચીરઈ નાની, તા. ભચાઉ,ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મહિન્દ્રા કંપનીનું બોલેરો પીકઅપ વાહન (રજિસ્ટ્રેશન નંબર GJ-12-AY-1192) પણ કબજે કર્યું છે. કબજે કરાયેલા વાહનની અંદાજિત કિંમત રૂ. 3 લાખ હોવાનું જણાવાયું છે.
આરોપીઓની ધરપકડ બાદ તેમની સામે નોંધાયેલા ગુનામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ભચાઉ પોલીસની ઝડપી કામગીરી અને સચોટ તપાસના પરિણામે ગંભીર ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar