



કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) : કચ્છના અંતરિયાળ વિસ્તાર જખૌમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસને વેગ મળ્યો છે. સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) અંતર્ગત આર્ચિયન ફાઉન્ડેશન દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જખૌ માટે રૂ. 10 લાખના અનુદાનથી પાંચ નવા વર્ગખંડ તૈયાર કરવામાં આવ્યા છે. આ નવી સુવિધાના કારણે વિદ્યાર્થીઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળશે.
આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે શાળાની શુભેચ્છા મુલાકાત દરમિયાન નવા નિર્મિત વર્ગખંડોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ડી.ઈ.ઓ. કચેરીના અધિકારીઓ સાથે કરવામાં આવેલા નિરીક્ષણ બાદ વર્ગખંડો વિદ્યાર્થીઓના ઉપયોગ માટે યોગ્ય હોવાનું જાહેર કરીને તેમાં શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે આર્ચિયન ફાઉન્ડેશનના પ્રતિનિધિ વિનોદ જોષી, ઉપસરપંચ અભુભાઈ, એસ.એમ.ડી.સી.ના ઉપાધ્યક્ષ અલીભાઈ વાઘેર, જખૌ સીઆરસી જયેશભાઈ જાદવ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય મેરૂન્નીશાબેન ધડા, જખૌ ગ્રુપ શાળાના આચાર્ય અમિતભાઈ ડાંગોરા તેમજ આશીરાવાંઢ પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ વાઢેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના સન્માન સાથે કાર્યક્રમને શૈક્ષણિક વિકાસના નવા અધ્યાય તરીકે જોવામાં આવ્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આર્ચિયન ફાઉન્ડેશનના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું કે, સરકારી શાળાઓના વિકાસમાં ઉદ્યોગો અને સામાજિક સંસ્થાઓનું સહયોગી વલણ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત મહત્વનું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં પણ કંપની શિક્ષણ ક્ષેત્રે આવું જ યોગદાન આપતી રહેશે.
કાર્યક્રમ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે જખૌ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી હાઈસ્કૂલની ઇમારત ટૂંક સમયમાં નિર્માણ પામશે. આ જાહેરાતથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
ગામના સરપંચ દ્વારા પણ ટેલિફોનિક શુભેચ્છા પાઠવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જખૌ જેવી સરહદી અને અંતરિયાળ વસાહતમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સરકાર, સ્થાનિક તંત્ર અને ખાનગી સંસ્થાઓ વચ્ચેનું આ સમન્વયાત્મક મોડેલ અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે.
આર્ચિયન ફાઉન્ડેશનના સહયોગથી તૈયાર થયેલા નવા વર્ગખંડો અને નવી હાઈસ્કૂલના નિર્માણની જાહેરાત જખૌના વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar