મહુવા-રાજુલા મુખ્ય માર્ગ ચોમાસાની શરૂઆતમાં જ વાહનચાલકો માટે બન્યો મુશ્કેલીનો માર્ગ
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા-રાજુલા મુખ્ય માર્ગ પર ચોમાસાની શરૂઆત સાથે જ વાહનચાલકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. માર્ગ પર થોડા દિવસો પહેલાં રોડનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ શરૂ થતાં કામગીરી અધવચ્ચે જ બંધ કરી દેવામા
રોડ પર ભરાયેલું પાણી


ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા-રાજુલા મુખ્ય માર્ગ પર ચોમાસાની શરૂઆત સાથે જ વાહનચાલકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. માર્ગ પર થોડા દિવસો પહેલાં રોડનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ શરૂ થતાં કામગીરી અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી ભરાઈ જતાં સમગ્ર રસ્તો કાદવ અને કીચડથી ઢંકાઈ ગયો છે.

માર્ગની ખરાબ હાલતને કારણે રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો, મુસાફરો તેમજ આસપાસના ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઈકચાલકો માટે આ માર્ગ જોખમી સાબિત થઈ રહ્યો છે. પાણીથી ભરાયેલા ખાડાઓની ઊંડાઈનો અંદાજ ન આવતાં વાહનો લપસી જવાના તેમજ અકસ્માત સર્જાવાની ભીતિ સતત રહે છે. અનેક વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે, જેના કારણે મુસાફરીનો સમય પણ વધી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માર્ગનું ખોદકામ શરૂ કરતા પહેલાં વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન કરવું જરૂરી હતું. હાલ રસ્તા પર કાદવ અને પાણી ભરાઈ રહેતાં એમ્બ્યુલન્સ, શાળાના વાહનો તેમજ ભારે વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ રહી છે. વેપારીઓ અને ખેડૂતોને પણ માલસામાનની હેરફેરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે વરસાદ વચ્ચે પણ જરૂરી તકેદારી સાથે માર્ગનું સમારકામ ઝડપી પૂર્ણ કરવામાં આવે અથવા ખાડાઓને તાત્કાલિક પૂરવામાં આવે, જેથી વાહનચાલકોને રાહત મળી શકે. જો સમયસર કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન અકસ્માતોની સંભાવના વધી શકે છે. લોકોની સુરક્ષા અને સરળ અવરજવર માટે સંબંધિત વિભાગ તાત્કાલિક પગલાં ભરે તેવી લોકમાગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande