
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના કરેડા ગામના પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈ સોલંકીએ પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન સર્જ્યું છે. સરતાનપર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં તેમણે પોતાના સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી સફર વર્ણવતાં જણાવ્યું કે વર્ષ 2014માં કોઈ પૂર્વ અનુભવ વિના તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
પોપટભાઈએ જણાવ્યું કે અગાઉ તેઓ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વધતા ખેતી ખર્ચ અને ઘટતી આવકના કારણે દેવાના બોજ હેઠળ આવી ગયા હતા. ખેતી ચાલુ રાખવી પણ મુશ્કેલ બની ગઈ હતી. તે સમયે પીપળ ગામના એક પ્રગતિશીલ ખેડૂતની પ્રાકૃતિક ખેતીથી પ્રેરાઈ તેમણે આ નવી પદ્ધતિ અપનાવી, જેના કારણે તેમની આર્થિક સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થવા લાગ્યો.
તેમણે જણાવ્યું કે ભાવનગરની ઉત્થાન સંસ્થા, આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિભાગના અધિકારીઓના સતત માર્ગદર્શન અને સહયોગથી પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળી. શરૂઆતમાં તેઓ ઓછી માત્રામાં પ્રાકૃતિક ઉત્પાદનો અમદાવાદમાં વેચવા લઈ જતા હતા, પરંતુ આજે તેમની સાથે આસપાસના ગામોના આશરે 100 ખેડૂતો જોડાયા છે. તેમના જૂથ દ્વારા દર ગુરુવાર અને શનિવારે ચાર વાહનો મારફતે ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો એકત્ર કરી અમદાવાદ અને ગાંધીનગરના ગ્રાહકો સુધી સીધું વેચાણ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઝેરમુક્ત ખાદ્યપદાર્થો મળી રહ્યા છે.
પોપટભાઈએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીના કારણે તેઓ આજે સંપૂર્ણપણે દેવાના બોજમાંથી મુક્ત બન્યા છે. ખેતીની વધેલી આવકથી તેમણે ટ્રેક્ટર અને ફોર-વ્હીલર ખરીદ્યા છે તેમજ હવે આધુનિક મોડલ ફાર્મ વિકસાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે માત્ર વૈકલ્પિક પદ્ધતિ નહીં, પરંતુ આત્મનિર્ભરતા, આર્થિક સમૃદ્ધિ અને સન્માનપૂર્ણ જીવન તરફ દોરી જતો સશક્ત માર્ગ છે. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ઉત્થાન સંસ્થા, આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિભાગનો માર્ગદર્શન અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA