



પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : ચોમાસાની શરૂઆત સાથે પોરબંદર શહેરમાં સતત વરસાદી માહોલ વચ્ચે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની ટીમ ખડેપગે રહી વરસાદી પાણીના ઝડપી નિકાલ, ભૂગર્ભ ગટર વ્યવસ્થાને કાર્યરત રાખવા તેમજ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરી રહી છે.
ચાલુ વરસાદ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ભૂગર્ભ ગટર જામ થઈ જવાની ફરિયાદો વોર્ડ સુપરવાઇઝરોને પ્રાપ્ત થતાં મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ મળતાની સાથે જ સ્થળ પર જેટિંગ મશીન મોકલી ઇમરજન્સી ધોરણે ભૂગર્ભ ગટર લાઇનમાં ઉચ્ચ દબાણથી પાણીનો મારો (હાઈ-પ્રેશર વોટર જેટિંગ) ચલાવી ગટરમાં જમા થયેલો કચરો અને અન્ય અવરોધ દૂર કરવામાં આવ્યા હતા. જેના પરિણામે ભૂગર્ભ ગટર લાઇન ફરી કાર્યરત બની અને ગંદા પાણીનો નિકાલ સુચારુ રીતે શરૂ થયો. સેનિટેશન શાખાની ટીમ દ્વારા ચાલુ વરસાદ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ, ભૂગર્ભ ગટર વ્યવસ્થાના જાળવણી કાર્ય તથા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત અને સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટીમ પરિસ્થિતિ પર સતત નજર રાખી નાગરિકોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે ખડેપગે ફરજ બજાવી રહી છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન પ્રાપ્ત થતી આવી ફરિયાદોનું પ્રાથમિકતાના ધોરણે ઝડપી નિરાકરણ કરવામાં આવી રહ્યું છે, જેથી નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ભૂગર્ભ ગટરમાં પ્લાસ્ટિક, કપડાં, ઘન કચરો અથવા અન્ય અવિઘટિત વસ્તુઓ ન નાખે. નાગરિકોના સહયોગથી ગટર લાઇન જામ થવાની સમસ્યા અટકાવી શકાય છે અને શહેરની સ્વચ્છતા જાળવી રાખવામાં મદદ મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya