
અમરેલી,03 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વડીયા શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા, ઢૂંઢીયા પીપળીયા, અરજણસુખ, તોરી અને ખાન ખીજડીયા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને અરજણસુખ ગામમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં નવા નીરની આવક થતાં આસપાસના ગ્રામજનો નદીના દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા.
વરસાદના આંકડાઓ મુજબ વડીયા શહેરમાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અરજણસુખમાં અંદાજે 2 ઈંચ, ઢૂંઢીયા પીપળીયામાં 2 ઈંચ, હનુમાન ખીજડીયામાં દોઢ ઈંચ અને તોરી ગામમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ગામડાઓના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને અનેક જગ્યાએ શેરીઓ પાણીથી છલકાઈ ગઈ હતી.
ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણીની સારી આવક થતાં કપાસ, મગફળી, તલ અને અન્ય ખરીફ પાકને જીવદાન મળ્યું છે. વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી લબાલબ બનતાં ધરતીપુત્રોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
હવામાનમાં આવેલા આ બદલાવથી સમગ્ર વડીયા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો આગામી દિવસોમાં પણ વરસાદનો આ જોર યથાવત રહેશે તો કૃષિ માટે ખૂબ જ લાભદાયી પરિસ્થિતિ સર્જાશે અને ખરીફ પાકના સારા ઉત્પાદનની ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai