
રાજકોટ/અમદાવાદ, 03 જુલાઇ (હિ.સ.) : ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ સૌરાષ્ટ્રભરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને સોમનાથમાં તોફાની વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી પાંચમી જુલાઈ સુધી ભારેથી અત્યંત ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્રને પણ સજ્જ રહેવા આદેશ અપાયા છે.
સુત્રાપાડાના કનેહર વિસ્તારમાં ખેતરો ચારે તરફ વરસાદી પાણીથી તરબોળ થઈને બેટમાં ફેરવાઈ ગયા છે. તાલાલામાં ગાળિયાવડ રોડ ઉપર વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષની તોતિંગ ડાળ તૂટી પડી હતી, જેના કારણે વીજ પ્રવાહ બંધ કરવો પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કેશોદની જાણીતી નોળી નદી ભારે પાણીના પ્રવાહને કારણે બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે સોંદરડા ગામ ખાતે આવેલો ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ઓવરફ્લો થયો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગોંડલ શહેરમાં વરસાદથી ગુંદાળા શેરીમાં પાણી વહેતા થયા હતા, જ્યારે ખોડિયાર નગરના રેલ્વે અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અટવાયો હતો.
રાજકોટ-જેતપુર સિક્સ લેનની કામગીરી ચાલુ હોવાથી અને ગોંડલના જામવાડી નજીક હાઇવે પર સિંગલ પટ્ટી રોડ પર ડાયવર્ઝનના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેથી વાહનચાલકો પરેશાન થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ