
પાટણ, 03 જુલાઈ (હિ.સ.) : પાટણની સેશન્સ કોર્ટે સિદ્ધપુર નગરપાલિકા સામે ₹43.41 લાખની બાકી રકમ વસૂલવા માટે જંગમ મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ કર્યું છે. કોન્ટ્રાક્ટરની બાકી ચૂકવણી ન થતાં આ કાર્યવાહી હાથ ધરાઈ છે.
વર્ષ 2016-17માં સિદ્ધપુર શહેરના ઋષિકેશ ફાટક રેલવે અન્ડરપાસના કામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કામ પૂર્ણ થયા છતાં કોન્ટ્રાક્ટરને બિલની બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી.
અમદાવાદની પીસી સ્નેહલ કન્સ્ટ્રક્શન કંપનીએ આ મામલે આર્બિટ્રેશન પિટિશન દાખલ કરી હતી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એમ. શેખે નગરપાલિકા સામે જપ્તી વોરંટ જારી કરવાનો આદેશ કર્યો.
કોર્ટના હુકમ મુજબ મૂળ રકમ ₹24.20 લાખ, 12 ટકા વ્યાજ ₹17.91 લાખ અને અન્ય ખર્ચ સહિત કુલ ₹43.41 લાખની વસૂલાત બાકી છે.
કોર્ટે સિદ્ધપુરની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના રજિસ્ટ્રારને જપ્તીની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કાર્યવાહીનો અહેવાલ 9 જુલાઈ, 2026 સુધીમાં કોર્ટમાં રજૂ કરવાની તાકીદ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ