
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મહુવા શહેરમાં જાહેર સ્થળે ગંજીપત્તાના પાના અને રોકડ રકમથી હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ. 1,07,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ સામે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબી પોલીસ સ્ટાફ મહુવા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નૂતનનગર ખાતે શાળા નં. 12થી આગળ જવાના રસ્તા પર કેટલાક લોકો સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ગોળકુંડાળું વળી ગંજીપત્તાના પાનાં અને રોકડ રકમથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તમામ જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ગંજીપત્તાના 52 પાનાં, રોકડ રૂ. 42,000 તથા અલગ-અલગ કંપનીના છ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,07,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં ઇમરાનભાઈ રસુલભાઈ શેખ, રાકેશભાઈ મગનભાઈ વિરડીયા, જિગ્નેશભાઈ ભીખુભાઈ મહિડા, કિશોરભાઈ મગનભાઈ બારૈયા, પ્રવિણભાઈ કાળુભાઈ ચૌહાણ અને અલ્પેશભાઈ કિશનભાઈ મહિડાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મહુવા શહેરના અલગ-અલગ વિસ્તારોના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ મામલે એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તમામ આરોપીઓને મહુવા ટાઉન પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA