
પાટણ, 03 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના હેતુથી રાજ્ય સરકારે 30 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરી છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને પોતાના ગામ નજીક જ ધોરણ 9નું શિક્ષણ ઉપલબ્ધ બન્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે જિલ્લામાં 27 કમ્પોઝિટ માધ્યમિક શાળાઓ અને 3 સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી મળી છે. નવી શાળાઓ કાર્યરત થતાં હવે જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓની કુલ સંખ્યા 103 થઈ છે. દરેક શાળામાં ધોરણ-9નો એક વર્ગ શરૂ કરાયો છે અને સરેરાશ 40 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. શિક્ષણ કાર્ય માટે દરેક શાળામાં 3 શિક્ષકોની નિમણૂક કરાઈ છે.
આ નવી શાળાઓ સાંતલપુર, રાધનપુર, સમી, શંખેશ્વર, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં શરૂ કરવામાં આવી છે. અગાઉ વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ માટે લગભગ 5 કિમી દૂર જવું પડતું હતું, જેના કારણે ખાસ કરીને દીકરીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દેતી હતી. હવે નજીકમાં શાળા મળતાં ડ્રોપઆઉટ રેશિયો ઘટવાની આશા વ્યક્ત કરાઈ છે.
નવી મંજૂર થયેલી સરકારી માધ્યમિક શાળાઓમાં તારાનગર, સહેસા, બાબરી-ચાંદરાણી, બકુત્રા, ચારંડા, લોદ્રા, છાણસરા, ડાભી, દાત્રણા, પર, મઢુત્રા, ગોખાંતર, જામવાડા, આંતરનેશ, સિધાડા, રાજુસરા, નવાગામ, ગઢા, મેમદાવાદ, પોરાણા, નાની પીંપળી, દાદર, અનવરપુરા, વરાણા, બોરતવાડા, કાઠી, જાખા, લક્ષ્મીપુરા, મોરપા અને અબલુવાનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારની આ પહેલથી છેવાડાના વિસ્તારોના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત માધ્યમિક શિક્ષણ મળશે. નજીકમાં શાળા ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહેશે અને જિલ્લામાં શિક્ષણનું સ્તર વધુ મજબૂત બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ