સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીની અચાનક મુલાકાત, સ્વચ્છતા મુદ્દે તંત્રને કડક સૂચના
સુરત, 03 જુલાઈ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ અચાનક મુલાકાત લઈને સ્વચ્છતા અને દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરી. તેમની સાથે શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના આગેવાનો પણ જોડ
Surat


સુરત, 03 જુલાઈ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ અચાનક મુલાકાત લઈને સ્વચ્છતા અને દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરી. તેમની સાથે શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના આગેવાનો પણ જોડાયા હતા. મંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓ અને તેમના સ્વજનો સાથે સીધી વાતચીત કરીને વ્યવસ્થાની માહિતી મેળવી.

નિરીક્ષણ દરમિયાન ઓપીડી વિભાગમાં કરોળિયાના જાળા અને ગંદકી જોવા મળતા મંત્રીએ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને સ્ટાફને સ્વચ્છતા જાળવવા માટે કડક સૂચનાઓ આપી. હોસ્પિટલમાં નિયમિત સફાઈ અને જાળવણીમાં કોઈ બેદરકારી ન રાખવાની સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી.

માત્ર સૂચના આપીને અટક્યા વગર આરોગ્ય મંત્રીએ જાતે જ પોતા અને ઝાડુ હાથમાં લઈને સફાઈ અભિયાનમાં ભાગ લીધો. તેમની સાથે મેયર સહિતના પદાધિકારીઓએ પણ શ્રમદાન કર્યું. આ પ્રસંગે હોસ્પિટલના સફાઈ કર્મચારીઓના યોગદાનને બિરદાવી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું. સાથે જ સરકારી હોસ્પિટલોમાં પાન-માવાની પિચકારી કરીને ગંદકી ફેલાવનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી.

આ અવસરે રાજ્યભરમાં શરૂ કરાયેલા 'નમો સ્વચ્છતા મહાઅભિયાન' અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે ગુજરાતની અંદાજે 12 હજાર આરોગ્ય સંસ્થાઓમાં સાત દિવસ સુધી વિશેષ સફાઈ અને માઈક્રો લેવલના રિપેરિંગની કામગીરી હાથ ધરાશે. હોસ્પિટલોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને દર્દી-મૈત્રીપૂર્ણ બનાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમર્પિત કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande