


વડોદરા, 03 જુલાઈ (હિ.સ.) વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખેરવાડી ડુંગર નજીકના વિસ્તારમાં દરોડો પાડી વન વિભાગે લીલા મહુડાના વૃક્ષોના ગેરકાયદેસર કટિંગ બાદ પરિવહન કરવામાં આવી રહેલા લાકડાનો મોટો જથ્થો કબજે કર્યો છે.
વન વિભાગને મળેલી બાતમીના આધારે ટીમે સ્થળ પર ઓચિંતી કાર્યવાહી કરી હતી. દરમિયાન ટેમ્પો રોકી તપાસ કરવામાં આવતા તેમાં ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા લીલા મહુડાના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગે ટેમ્પો સહિત સમગ્ર મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રતિબંધિત અને લીલા મહુડાના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. હવે ટેમ્પોનો વાસ્તવિક માલિક કોણ છે, લાકડાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના ડુંગરાળ વિસ્તારોમાં લાંબા સમયથી લાકડાની ચોરી અને ગેરકાયદેસર હેરાફેરી અંગે ફરિયાદો ઉઠતી રહી છે. આવી સ્થિતિમાં વન વિભાગની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની ઓળખ કરીને તેમની સામે વન અધિનિયમ અને અન્ય સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર લાકડાના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ