




પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ખારવા સમાજના નવા વાણોટ તરીકે આજે કાંતિભાઈ બાદશાહીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમનું નામ જાહેર થતાં જ પરંપરા મુજબ કુંવારી બાળાઓ દ્વારા તિલક વિધિ કરવામાં આવી હતી અને વિધિવત રીતે તેમને વાણોટની ગાદી પર બિરાજમાન કરાયા હતા.
સમસ્ત ખારવા સમાજના વાણોટ તરીકે વરણી થયા બાદ કાંતિભાઈ બાદશાહીએ સમાજમાં એકતા, સંગઠન અને સહકારનો સંદેશ આપ્યો હતો. તેમણે સમાજના દરેક વર્ગને સાથે રાખીને સમાજના હિતમાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ તરીકે પસંદ થનાર વ્યક્તિ ગુજરાત ખારવા સમાજના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળે છે. આથી કાંતિભાઈ બાદશાહીને સમગ્ર ગુજરાતના ખારવા અને માછીમાર સમાજના નેતૃત્વની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે પંચપટેલ, ટ્રસ્ટીઓ તેમજ સમાજના અગ્રણીઓએ નવનિયુક્ત વાણોટ કાંતિભાઈ બાદશાહીનું હારતોરા કરીને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તેમણે રામદેવજી મહાપ્રભુના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વ વાણોટ પવનભાઈ શિયાળે સતત પાંચ વર્ષ સુધી વાણોટ તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણ તેમજ માછીમાર સમાજના હિતના મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને માછીમારોને લાભદાયી એવા વિવિધ પ્રોજેક્ટોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યકાળ પૂર્ણ થતાં પવનભાઈ શિયાળે સમાજના તમામ સભ્યો તેમજ સરકારનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya