નાસીરનગર કેસમાં વિસ્થાપિતોને મોટી રાહત, હાઇકોર્ટના આદેશ બાદ શેલ્ટર હોમમાં ઉજવણી
સુરત, 03 જુલાઈ (હિ.સ.) : સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટના મહત્વપૂર્ણ આદેશથી વિસ્થાપિત પરિવારોને મોટી રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અસરગ્રસ્ત લોકોને શક્ય હોય ત્યાં તેમની મૂળ જગ્યાએ ફરી વસવાટની વ્યવસ્થા કરવામાં આવે અથવા યોગ્ય વૈકલ્
નાસીરનગર કેસમાં વિસ્થાપિતોને મોટી રાહત, હાઇકોર્ટના આદેશ બાદ શેલ્ટર હોમમાં ઉજવણી


સુરત, 03 જુલાઈ (હિ.સ.) : સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટના મહત્વપૂર્ણ આદેશથી વિસ્થાપિત પરિવારોને મોટી રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અસરગ્રસ્ત લોકોને શક્ય હોય ત્યાં તેમની મૂળ જગ્યાએ ફરી વસવાટની વ્યવસ્થા કરવામાં આવે અથવા યોગ્ય વૈકલ્પિક રહેઠાણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. છેલ્લા એક મહિનાથી ઘરવિહોણા બનેલા પરિવારો માટે આ નિર્ણય આશાનું નવું કિરણ સાબિત થયો છે.

ચુકાદાની જાણ થતાં જ શેલ્ટર હોમમાં રહેતા પરિવારોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ ફટાકડા ફોડી તેમજ એકબીજાને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાનૂની લડતમાં સહયોગ આપનાર વકીલ ધવલ રાણા અને તેમની ટીમનું પણ સ્થાનિક લોકોએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક મહિલા પરવીન પઠાણે જણાવ્યું કે ઘર તૂટ્યા બાદ તેઓએ પોલીસ સ્ટેશન, મ્યુનિસિપલ કચેરી અને અન્ય સરકારી કચેરીઓના અનેક ચક્કર લગાવ્યા હતા, પરંતુ ક્યાંયથી સંતોષકારક મદદ મળી નહોતી. હવે હાઇકોર્ટના નિર્ણયથી ફરી પોતાનું ઘર મળવાની આશા જાગી છે. તેમણે સ્થાનિક આગેવાનો અને મીડિયાના સહકારને પણ આ લડતમાં મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.

અન્ય રહીશ સાબિર ખાને જણાવ્યું કે કોર્ટના નિર્ણયથી ગરીબ પરિવારોને ન્યાય મળ્યો છે અને હવે સરકાર તથા વહીવટી તંત્ર આદેશનો ઝડપથી અમલ કરે તેવી તેમની અપેક્ષા છે. તેમણે ઉમેર્યું કે તમામ વિસ્થાપિતોની મુખ્ય માંગ વર્ષોથી જ્યાં રહેતા હતા, તે જ સ્થળે ફરીથી ઘર બનાવી આપવાની છે અને હવે સૌ કોર્ટના આદેશના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande