
અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વધુ એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના વાચ ગામે ગેસ એજન્સીના કર્મચારીને રસ્તામાં પર જીવલેણ હુમલો કરી 3 લાખની સોનાની ચેન લૂંટી લૂંટારા ફરાર
અમદાવાદના વાચ ગામે ગેસ એજન્સીનો કર્મચારી પોતાનું એક્ટિવા સ્કૂટર લઈને માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાર લૂંટારુઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી તેને અધવચ્ચે રસ્તા પર જ આંતર્યો હતો. લૂંટારુઓએ કર્મચારી પર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો.
ચાર લૂંટારુઓની ટોળકીએ આ હિચકારા હુમલાને અંજામ આપી કર્મચારી પાસેથી આશરે 3.5 લાખની કિંમતની સોનાની ચેન લૂંટીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના વાચ ગામે ગેસ એજન્સીનો કર્મચારી પોતાનું એક્ટિવા સ્કૂટર લઈને માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાર લૂંટારુઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી તેને અધવચ્ચે રસ્તા પર જ આંતર્યો હતો. લૂંટારુઓએ કર્મચારી પર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો અને તેનું સ્કૂટર રસ્તાની નીચે ફેંકી દીધું હતું. આ હુમલામાં કર્મચારી લોહીલૂહાણ હાલતમાં રોડ પર જ પટકાઈ ગયો હતો, જેનો લાભ ઉઠાવી લૂંટારુઓ સોનાની ચેન આંચકીને નાસી છૂટ્યા હતા.
આ ગંભીર ઘટના બાદ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા, ત્યારે ગેસ એજન્સીનો કર્મચારી લોહીલૂહાણ હાલતમાં મળી આવ્યો હતો. લૂંટારૂઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હોવાથી તેનું અડધું શરીર લોહીથી લથપથ થઈ ગયું હતું. શરીરનો નીચેનો ભાગ આખો રક્ત રંજીત થયો હતો અને રસ્તા પર લોહીનું ખાબોચિયું ભરાયું હતું. જે બાદ ઈજાગ્રસ્ત બનેલા કર્મચારીને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ વિવેકાનંદ નગર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધીને લૂંટારુઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે વિવેકાનંદ નગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા લૂંટના ગુનામાં સામેલ ચાર આરોપીઓ પૈકીના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને શોધવા તજવીજ ચાલુ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા ગુનેગારો રીઢા ગુનેગાર એટલે કે હિસ્ટ્રીશીટર છે અને તેમની સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હાલ પોલીસે ફરાર આરોપીઓ તરફ તપાસ કેન્દ્રિત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ