
વલસાડ/અમદાવાદ, 03 જુલાઇ (હિ.સ.) : ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.
આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડમાં 6.10 ઇંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું છે અને બજારો-ઘરોમાં પાણી ઘૂસ્તા લોકોની હાલત કફોડી બની છે. રોડ પર પાણીને કારણે વાહનોની અવર-જવર પણ બંધ થઈ છે.
આજે પણ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે. રાજ્યમાં જૂનાગઢ સહિતના જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાપીના ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીર આવ્યાં
તાપી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે એક આનંદના સમાચાર સામે આવ્યા છે.
ભારે વરસાદને પગલે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીરની ભવ્ય આવક થઈ છે. બામણામાળ ગામેથી વહેતી ઓલણ નદી જીવંત થતાં જ આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ છે. નદીમાં નવા પાણી આવવાથી સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને નાના પાયે મચ્છીમારી કરતા પરિવારોમાં ભારે આનંદ છવાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ