

પાટણ, 03 જુલાઈ (હિ.સ.) : ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટની કારોબારી સમિતિની બેઠક પ્રમુખ ચેતન વ્યાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં મંદિર સંકુલના વિકાસ માટે કલાત્મક એલીવેશન કામગીરી અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આર્કિટેક્ટ નિલેશભાઈ સોમપુરાએ મંદિર, ગેટની દીવાલ અને ઓટલાની દીવાલ પર થનારી કોતરણીયુક્ત એલીવેશન કામગીરી તેમજ તેના અંદાજિત ખર્ચની વિગતો રજૂ કરી હતી. ગેટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે આગામી તબક્કાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.
મુખ્ય મંદિરના ઓટલાની દીવાલ પર કોતરણીયુક્ત પથ્થર લગાવવામાં આવશે તેમજ ઓટલાની દીવાલ પર દાન આપનાર દાતાઓના નામની તકતી પણ સ્થાપિત કરવામાં આવશે. પ્રમુખ ચેતનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે દાતાઓનો સહયોગ મળશે તો વિકાસકાર્યો વધુ ઝડપથી પૂર્ણ થશે, અન્યથા ટ્રસ્ટના વિકાસ ફંડમાંથી આ કામગીરી હાથ ધરવામાં આવશે.
બેઠકમાં દર પૂનમે ભોજન દાતાને હવનમાં યજમાન તરીકે બેસાડવાનો તથા નવચંડી યજ્ઞ કરાવવા ઇચ્છુક દાતાએ તેનો સંપૂર્ણ ખર્ચ ભોગવવાનો નિર્ણય લેવાયો. આ વ્યવસ્થા એક વર્ષ માટે અમલમાં રહેશે. બેઠકમાં પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ સહિત ટ્રસ્ટના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મંત્રી સુરેશભાઈ વ્યાસે વિકાસ યોજનાઓની માહિતી આપી સભાનું સંચાલન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ