
ડાંગ/અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ડાંગ જિલ્લા પર મેઘરાજા મહેરબાન બન્યા છે. ડાંગના વઘઈ, આહવા, સુબીર અને સાપુતારા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વઘઈ-સાપુતારા માર્ગ ઉપર અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થયા છે. એટલું જ નહીં, ભારે વરસાદને કારણે કોતરોમાં પૂરની સ્થિતિને જોતા વઘઈ સાપુતારા માર્ગ ઉપર વરસાદી પાણી ભરાવા લાગ્યા છે. વઘઈ-સાપુતારા માર્ગ ઉપર નદી જેવો માહોલ જોવા મળ્યો છે. બીજી બાજુ વઘઈ-સાપુતારા માર્ગ ઉપર અનેક જગ્યા પર પાણી ભરાતા હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
3 જુલાઈના રોજ સવાર છ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નવસારીના ચીખલીમાં નોંધાયો છે. અહીં માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં વરસાદની હેલી આજે પણ યથાવત છે.જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વલસાડમાં આજે સવારે બે કલાકમાં (આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં) છ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ, નવસારીમાં પણ સારો વરસાદ નોંધાયો છે. આજે સવારે એક ઇંચથી વધુ વરસાદ કયા કયા તાલુકામાં પડ્યો તે નીચે આપેલી તસવીરમાં જુઓ.
નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ચોમાસાની તોફાની બેટિંગના કારણે જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારે 8થી 10 વાગ્યા સુધીના માત્ર 2 કલાકના ગાળામાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ચીખલીમાં 8 ઈંચ અને ગણદેવીમાં 5 ઈંચ વરસાદ ખાબકી દીધો છે, જ્યારે ખેરગામમાં 3 ઈંચ, વાંસદામાં પોણા 3 ઈંચ, નવસારી શહેરમાં 1 ઈંચ અને જલાલપોરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ