વિશ્વ પ્લાસ્ટિક બેગ દિવસ નિમિત્તે ભાવનગરમાં અનોખી પહેલ, 50 પ્લાસ્ટિકના ઝબલાં સામે અપાઈ કાપડની થેલી
ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.) : વિશ્વ પ્લાસ્ટિક બેગ દિવસ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા અને સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીના સંયુક્ત ઉપક્રમે શહેરના વોર્ડ નં. 13 ખાતે આવેલી આવાસ યોજનામાં પ્લાસ્ટિકમુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
કાપડ ની થેલી વિતરણ કરવામાં આવી


ભાવનગર, 03 જુલાઈ (હિ.સ.) : વિશ્વ પ્લાસ્ટિક બેગ દિવસ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા અને સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીના સંયુક્ત ઉપક્રમે શહેરના વોર્ડ નં. 13 ખાતે આવેલી આવાસ યોજનામાં પ્લાસ્ટિકમુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.

કાર્યક્રમની વિશેષ આકર્ષણરૂપે 50 પ્લાસ્ટિકના ઝબલાં સામે 1 કાપડની થેલી અભિયાન યોજાયું. સ્થાનિક રહેવાસીઓએ આ અભિયાનને ઉત્સાહપૂર્વક આવકાર્યો અને પોતાના ઘરમાંથી પ્લાસ્ટિકના ઝબલાં એકત્રિત કરીને કાર્યક્રમ સ્થળે પહોંચાડ્યા. અભિયાન દરમિયાન 25 હજારથી વધુ પ્લાસ્ટિકના ઝબલાં એકત્રિત કરવામાં આવ્યા અને તેના બદલામાં 500થી વધુ પર્યાવરણમિત્ર કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ડૉ. તેજસ દોશીએ નાગરિકોને ઘરેલુ કચરાનું યોગ્ય વર્ગીકરણ, ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણ, માનવ આરોગ્ય અને પશુ-પક્ષીઓ પર ગંભીર અસર થાય છે. તેથી દરેક પરિવારે કાપડની થેલી, સ્ટીલ, કાચ અને અન્ય પુનઃઉપયોગી વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું કે પ્લાસ્ટિક પ્રદૂષણ સામેની લડાઈ માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. નાગરિકો સક્રિય રીતે જોડાશે તો જ સ્વચ્છ, હરિત અને પ્લાસ્ટિકમુક્ત ભાવનગરનું સ્વપ્ન સાકાર બની શકશે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા અને સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવા જનજાગૃતિ કાર્યક્રમો સતત યોજાઈ રહ્યા છે, જે સ્વચ્છ ભારત મિશન અને પ્લાસ્ટિકમુક્ત ભારતના અભિયાનને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande