
સુરત, 04 જુલાઈ (હિ.સ.): ઘર કંકાસ અને ખાસ કરીને પતિના અવૈધ સંબધોને કારણે ભાંગતા પરિવારોને બચાવવામાં ફરી એકવાર 181 અભયમ મહિલા હેલ્પલાઇને મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં થયેલા એક બનાવમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને કારણે માનસિક રીતે ભાંગી પડેલી મહિલાએ અભયમની મદદ માંગતા ટીમે સમયસૂચકતા અને સમજાવટથી કામ લઇ પરિવારને તૂટતા બચાવ્યો હતો.
વાત એમ છે કે, સુરત શહેરમાંથી એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમસંબંધને કારણે સતત માનસિક યાતના અનુભવતા હોવાનું અને વારંવાર તે અંગે ઝગડો થતાં લગ્નજીવન તૂટવાની કગાર પર પહોંચ્યું હોવાનું જણાવી 181 અભયમની મદદ માગી હતી.
ઘટનાની જાણ થતાં જ અભયમની ટીમ સ્થળે પહોંચી હતી અને પતિ-પત્ની બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. પરિણીતાએ જણાવ્યું કે, તેમના લગ્નને 8 વર્ષ થયા છે, જેનાથી તેમને એક દીકરી સંતાન છે. ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પતિને સોશિયલ મિડીયા થકી એક અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ છે, જેના કારણે દામ્પત્ય જીવનમાં વારંવાર વિવાદો અને માનસિક તણાવની સ્થિતિ સર્જાતી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં પીડિતાએ જણાવ્યું કે, અગાઉ પણ આ જ રીતે પતિએ અન્ય મહિલા સાથેનો સંબંધ સમાપ્ત કરવાની ખાતરી આપી સમાધાન કર્યું હતું. તેમ છતાં પતિ દ્વારા ગુપ્ત રીતે સોશિયલ મીડિયા પર સંપર્ક ચાલુ રાખવામાં આવતા બંને વચ્ચે વારંવાર તકરાર થતી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે પતિ દ્વારા ઝઘડાના સમયે આત્મહત્યાની ધમકી આપવામાં આવતી હોવાથી તેઓ ગંભીર માનસિક વ્યથાનો અનુભવ કરી રહ્યા હતા અને છૂટાછેડા લેવા અંગે વિચારણા કરી રહ્યા હતા.
181 હેલ્પલાઇને દંપતિનું અસરકારક કાઉન્સેલિંગ કરી બંનેને સમજાવ્યું કે, આવા વિવાદોની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડી શકે છે. લગ્નેતર સંબંધો માત્ર એક પરિવાર જ નહીં, પણ બાળકોનું ભવિષ્ય અને સામાજિક પ્રતિષ્ઠા પણ રોળે છે. સાથે જ કાયદાકીય જોગવાઈઓ અને પત્નીના અધિકારો વિશે માર્ગદર્શન પણ આપતા પીડિતાના પતિએ ભૂલ સ્વીકારી હતી અને તેણે તે સ્ત્રી સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અને ભવિષ્યમાં જવાબદારીપૂર્વક વૈવાહિક જીવન નિભાવવાની ખાતરી આપવામાં આવતા પીડિત મહિલાએ સમાધાન માટે સંમતિ વ્યક્ત કરી હતી.
અભયમની દરમિયાનગીરીથી દંપતિએ પરસ્પર સમજૂતીથી દાંપત્યજીવનને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. આમ, એક પરિવાર વિખેરતા બચી ગયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે