
વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. પોતાની જ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરવાના આરોપસર પોલીસે આજે શનિવારે પિતાની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, 29 જૂનના રોજ સગીરાની માતાએ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી પિતાએ પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરતાં આ ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ સહિતની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
પોલીસ હાલમાં ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરી રહી છે. કેસની સંવેદનશીલતા જાળવવા માટે પીડિતાની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
પોલીસે જણાવ્યું છે કે તપાસ દરમિયાન મળતા પુરાવા અને તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ