

વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત બાદ અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાને પગલે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરાયેલા તમામ કામો મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી કુલ આઠ દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. જોકે, માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખ 30 જુલાઈ જાહેર થતાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. તેના કારણે નવી વહીવટી અથવા વિકાસલક્ષી દરખાસ્તોને મંજૂરી આપવી શક્ય ન હોવાથી તમામ મુદ્દાઓને હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના અનુસંધાને ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આચાર સંહિતા અમલમાં રહે ત્યાં સુધી ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવા નવા નિર્ણયો અથવા મંજૂરીઓ પર પ્રતિબંધ રહે છે.
આથી, સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી તમામ આઠ દરખાસ્તો પર આગામી સમય સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આચાર સંહિતા પૂર્ણ થયા બાદ નિયમો મુજબ ફરીથી આ મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ