


પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)રાજ્યભરમાં ચાલી રહેલા Invincible NGOના ‘નો ડ્રગ્સ કેમ્પેઈન’ અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. ભાવસિંહજી હાઈસ્કૂલ, મોઢા કોલેજ, ગોઢાણીયા કોલેજ તેમજ આર્ય કન્યા ગુરુકુળ સ્કૂલ-કોલેજ ખાતે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી હાનિકારક અસરો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન દ્યાર્થીઓને નશાના વ્યસનથી દૂર રહી સ્વસ્થ અને જવાબદાર જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ યુવાનોને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ અભિયાનના ભાગરૂપે સાંજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના પોલીસ અધિક્ષક બી. યુ. જાડેજાના હસ્તે કનકાઈ મંદિર ખાતેથી રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.રેલી કનકાઈ મંદિરથી શરૂ થઈ રિલાયન્સ ફુવારા, જૂના ફુવારા, કમલાબાગ સર્કલ, વીરભાનુની ખાંભી અને નવા ફુવારા થઈ ફરી કનકાઈ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં આશરે 25 મોટરસાયકલો સાથે યુવાનો અને સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈ નશામુક્તિનો સંદેશ શહેરમાં પહોંચાડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya