


વડોદરા , 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં હરણી-વરસિયા રિંગ રોડ પર આવેલી પ્રગરાજ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર પોતાના વતન ગયો હોવાનો લાભ લઈ તસ્કરોએ ઘરના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રોકડ તેમજ કિંમતી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વડોદરાના હરણી-વરસિયા રિંગ રોડ પર આવેલી પ્રગરાજ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ભાડે રહેતા કિશન પટેલનો પરિવાર કોઈ કામ અર્થે ગામડે ગયો હતો. ઘર બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ ત્રાટકીને ઘરના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં હાથફેરો કરી સોનાની ચેન, ચાંદીની ચેન, વીંટી, હાથની લંકી, ચાંદીની કદોરી તેમજ આશરે 50 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ પાડોશીઓ દ્વારા પરિવારને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. ઘરે પહોંચતા જ ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોઈ પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા.
સમગ્ર મામલે કિશન પટેલે વરસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી, આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ