કલેક્ટર હર્ષદ વોરાના હસ્તે બોટાદના નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત
બોટાદ, 04 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકારના વ્યાપક ભરતી અભિયાન અંતર્ગત રાજ્યભરમાં મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યસ્તરીય કાર્યક્રમ
નિમણૂક પત્રક એનાયત કરતા કલેક્ટર


બોટાદ, 04 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકારના વ્યાપક ભરતી અભિયાન અંતર્ગત રાજ્યભરમાં મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે તેના અનુસંધાને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બોટાદ જિલ્લામાં પસંદગી પામેલા કુલ 19 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને સંબોધતાં કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે મહેસૂલી તલાટી ગ્રામ્ય વહીવટી તંત્રની મહત્વપૂર્ણ કડી છે. સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં તેમજ મહેસૂલી કામગીરીને અસરકારક રીતે પાર પાડવામાં તેમની અગત્યની ભૂમિકા રહે છે. તેથી જ્યાં પણ ફરજ સોંપવામાં આવે ત્યાં સંપૂર્ણ પ્રામાણિકતા, નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારી સાથે કામગીરી કરવાની જરૂર છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ ઊભી થાય તો વરિષ્ઠ અધિકારીઓનો નિઃસંકોચ સંપર્ક કરી માર્ગદર્શન મેળવવું જોઈએ. ટીમ વર્કની ભાવના સાથે કાર્ય કરીને જિલ્લાના વિકાસમાં સક્રિય યોગદાન આપવાની તેમણે અપીલ કરી હતી.

આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર પી. એલ. ઝણકાતેએ પણ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી પારદર્શક અને સંવેદનશીલ વહીવટ આપવો એ દરેક કર્મચારીની ફરજ છે.

ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લાને કુલ 19 મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે. આ ભરતીથી જિલ્લાના મહેસૂલી વહીવટને વધુ મજબૂતી મળશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને મળતી સરકારી સેવાઓ વધુ ઝડપી, અસરકારક અને સુલભ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande