

વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના તરસાલી શાક માર્કેટ નજીક બેફામ ગતિએ દોડી રહેલા એક ડમ્પરે બાઈકસવારને અડફેટે લેતા લેતા બચી જવાની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો અને વિગતો સામે આવતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડમ્પર ચાલક બેદરકારીપૂર્વક અને વધુ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈકસવારને અડફેટે લેતા લેતા બચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોનું કહેવું છે કે તરસાલી અને આસપાસના વિસ્તારોમાં ભારે વાહનોની બેફામ અવરજવર અને ઓવર સ્પીડિંગની ફરિયાદો અવારનવાર સામે આવે છે. તેમ છતાં આવા વાહનચાલકો સામે અસરકારક કાર્યવાહી થતી ન હોવાનું લોકોનું કહેવું છે.
આ ઘટનાના પગલે સ્થાનિકોએ બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની, ભારે વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવાની અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની માંગ ઉઠાવી છે.
વારંવાર સામે આવતી આવી ઘટનાઓને લઈને ટ્રાફિક વ્યવસ્થા અને જવાબદાર તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હવે અકસ્માત સર્જાય તે પહેલાં જ તંત્ર કડક પગલાં ભરે છે કે નહીં, તેના પર સૌની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ