બોટાદમાં પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ કેન્દ્રને નાગરિકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ
બોટાદ, 04 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઝેરમુક્ત અને ગુણવત્તાસભર કૃષિ પેદાશો સીધી ખેડૂતો પાસેથી ઉપલબ્ધ થતાં
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના વેચાણ કેન્દ્રો


બોટાદ, 04 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઝેરમુક્ત અને ગુણવત્તાસભર કૃષિ પેદાશો સીધી ખેડૂતો પાસેથી ઉપલબ્ધ થતાં શહેરવાસીઓમાં આ વેચાણ કેન્દ્ર પ્રત્યે વિશ્વાસ અને આકર્ષણ બંને વધ્યા છે.

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા, ઉત્પાદન વધારવા અને તેમની આવકમાં વધારો કરવા માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ખેડૂતોને તેમની પેદાશો માટે યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે અને ગ્રાહકોને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગ વિના ઉત્પાદિત ખાદ્ય વસ્તુઓ સરળતાથી મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત પ્રયાસોથી તાલુકા સેવા સદન બહાર, પાળિયાદ રોડ, બોટાદ ખાતે વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

આ કેન્દ્ર દર મંગળવાર અને શુક્રવારે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહે છે. અહીં બોટાદ જિલ્લાના દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત તાજા શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મસાલા સહિતની વિવિધ કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવે છે. ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક થવાથી ખેડૂતોને તેમની પેદાશના યોગ્ય ભાવ મળે છે, જ્યારે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને ઝેરમુક્ત ખાદ્ય વસ્તુઓ વાજબી કિંમતે ઉપલબ્ધ થાય છે.

જિલ્લા વહીવટી તંત્રએ બોટાદ જિલ્લાના નાગરિકોને આ વેચાણ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. સાથે જ પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવા માટે પણ આ પહેલમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી આ પહેલ ખેડૂતો અને ગ્રાહકો બંને માટે લાભદાયી સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande