
નવસારી, 04 જુલાઈ (હિ.સ.): દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદ વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી અંબિકા નદીના જૂના પુલ પર ગાબડું પડતાં અને તિરાડો દેખાતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. આ પુલ બીલીમોરા અને અમલસાડને જોડતો મહત્વનો માર્ગ હોવાથી આસપાસના આશરે 11 ગામોના લોકોની અવરજવર પર અસર પડી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જૂના પુલની બાજુમાં નવા પુલનું નિર્માણ કાર્ય ચાલુ છે, છતાં હાલ વાહનવ્યવહાર માટે જૂના પુલનો ઉપયોગ થઈ રહ્યો હતો. પુલના અમલસાડ તરફના છેડે નુકસાન જોવા મળતાં મોટી દુર્ઘટનાની આશંકા ઊભી થઈ હતી. સમયસર જાણ થતાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પુલની સ્થિતિને લઈને લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.
ઘટનાની માહિતી મળતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરાવી. અસરગ્રસ્ત ભાગને ખોદીને મરામત કરવામાં આવી રહી છે, જ્યારે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડાયવર્ઝનની વ્યવસ્થા અને ચેતવણીના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે