
પાટણ, 04 જુલાઈ (હિ.સ.)પાટણ એલસીબી પોલીસે કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારના તાવડીયા ગામમાં ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મોબાઇલ, લેપટોપ, પ્રિન્ટર સહિત કુલ ₹68,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
એલસીબીને મળેલી બાતમીના આધારે તાવડીયા ગામે ગૌસ્વામી અજયપુરી રાજેશપુરીના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગૌસ્વામી અજયપુરી રાજેશપુરી (તાવડીયા) અને ભરતજી હમીરજી ઠાકોર (ગુંછળી)ની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ એન્ડ્રોઇડ ફોનમાં શેરબજારના ભાવ જોતા અને કીપેડ ફોનથી ગ્રાહકોને પોતે શેરબ્રોકર હોવાનું જણાવી સેબીની મંજૂરી વગર વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા.
પોલીસે 9 મોબાઇલ, એક લેપટોપ, એક પ્રિન્ટર તેમજ બેંક પાસબુક-ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 318(4), 319(2), 54, 61(2) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(D) હેઠળ કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ