વડોદરા ડેપ્યુટી મેયરના વોર્ડમાં ગંદકીનો ગટરરાજ! મહાદેવ મંદિર નજીક ડ્રેનેજ ઉભરાતાં ભક્તો ત્રાહિમામ
વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા કાપડી પોળના નાકે મહાદેવ મંદિર નજીક ડ્રેનેજ ઉભરાતાં ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. જેના કારણે મંદિરે દર્શન માટે આવતા ભક્તો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ગંદકી


ગંદકી


વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા કાપડી પોળના નાકે મહાદેવ મંદિર નજીક ડ્રેનેજ ઉભરાતાં ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. જેના કારણે મંદિરે દર્શન માટે આવતા ભક્તો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તા પર ડ્રેનેજનું ગંદુ પાણી ભરાઈ જતાં અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને મંદિર તરફ જતાં ભક્તો, વૃદ્ધો અને બે-વ્હીલર ચાલકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ પણ ઊભી થઈ છે.

આ વિસ્તાર ડેપ્યુટી મેયરના વોર્ડમાં આવતો હોવા છતાં મૂળભૂત સુવિધાઓની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વિકાસ અને સમસ્યાઓના ઝડપી નિરાકરણના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રહેવાસીઓએ જણાવ્યું કે વારંવાર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે વરસાદી મોસમમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાને તાત્કાલિક ડ્રેનેજ લાઇનની સફાઈ અને મરામત કરીને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે, જેથી સ્થાનિકો અને મંદિર આવતા ભક્તોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande