
જામનગર, 04 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં તાજિયા માટે રાખવામાં આવેલા લોખંડના પિંજરાને હટાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી ઇંટ વડે માથામાં ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે શુક્રવારે ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ વિશાલ હોટેલ ચેમ્બર કોલોની, રાધેકૃષ્ણ મંદિર પાસે રહેતા રાકેશભાઈ આનંદભાઈ ગુરૂ નામના મદ્રાસી યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ઘરની બાજુમાં તાજિયા માટેનું લોખંડનું પિંજરું રાખવામાં આવ્યું હતું, જે મકાનના કામમાં અડચણરૂપ બનતું હોવાથી તેમણે પાડોશી ઇમરાનભાઈ ચનાને પિંજરું હટાવવા જણાવ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આક્ષેપ મુજબ ઇમરાનભાઈએ પિંજરું હટાવવાનો ઇનકાર કરી ફરિયાદીને ગાળો આપી ઝાપટ મારી હતી. દરમિયાન તેનો ભાઈ સિદ્દીક ચના તથા અક્રમ ચના પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્રણેયે મળીને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ઇમરાન અને સિદ્દીકે ફરિયાદીને પકડી રાખતાં અક્રમે ઇંટ વડે માથાના પાછળના ભાગે હુમલો કરતાં લોહી નીકળતી ઇજા પહોંચી હતી.
હુમલા બાદ ત્રણેય શખ્સોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તબીબે માથામાં લોહી નીકળતી ઇજા તેમજ શરીરે અન્ય મુઢ ઇજાઓ હોવાનું નોંધ્યું હતું.
બાદમાં ફરિયાદીના નિવેદનના આધારે પોલીસે ઇમરાનભાઈ ચના, સિદ્દીક ચના અને અક્રમ ચના સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1), 115(2), 352, 351(3), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt