
બોટાદ,04 જુલાઈ (હિ.સ.)ગઢડા તાલુકાના રાણિયાળા અને માલપરા ગામની આંગણવાડી કેન્દ્રોની જિલ્લા વિકાસ અધિકારી શ ભરત પરમાર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતો ગરમ નાસ્તો, કેન્દ્રની સ્વચ્છતા, પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરી તેમજ બાળકોને ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે બાળકો સાથે આત્મીય સંવાદ કરી તેમના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આરોગ્ય અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત આંગણવાડી કેન્દ્રના જરૂરી રેકોર્ડ, પીવાના પાણીની સુવિધા, બાળકો માટેના શૌચાલય, સ્વચ્છતા અને અન્ય પાયાની સુવિધાઓની પણ ચકાસણી કરી હતી.
મુલાકાત દરમિયાન ગઢડા તાલુકા વિકાસ અધિકારી વાળા, બાળ વિકાસ યોજના અધિકારી અરુણાબેન રામાવત, પૂજાબેન પટેલ તેમજ સુપરવાઇઝર પૂજાબેન ડોડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીએ આંગણવાડી કેન્દ્રોની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોને ગુણવત્તાસભર પોષણ, શિક્ષણ તથા સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA