

છોટાઉદેપુર, 04 જુલાઈ (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છઠ્ઠી આમલી વસાહતના રહેવાસીઓ છેલ્લા 20 વર્ષથી પાયાની સુવિધાના અભાવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વસાહત સુધી પહોંચતો માર્ગ હજુ પણ કાચો હોવાથી ખાસ કરીને ચોમાસા દરમિયાન ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ચોમાસાના ચાર મહિના દરમિયાન માર્ગ એટલો ખરાબ થઈ જાય છે કે એમ્બ્યુલન્સ પણ વસાહત સુધી પહોંચી શકતી નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રોજિંદા અભ્યાસ માટે આવન-જાવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભરવાડા ગામના લોકો પણ વદેસિયા ખાતે આવેલી દૂધ મંડળીમાં દૂધ ભરાવવા માટે આ ટૂંકા માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ રસ્તાની ખરાબ હાલતને કારણે તેઓ પણ પરેશાન છે.
રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે ગ્રામજનોએ જિલ્લા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી હતી. જેના જવાબમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે 23 એપ્રિલ, 2026ના રોજ લેખિતમાં જણાવ્યું હતું કે છઠ્ઠી આમલીથી વસાહત સુધીનો માર્ગ બનાવવા માટે અંદાજે 3 કરોડ 20 લાખ રૂપિયાની મંજૂરી સરકાર પાસે માંગવામાં આવી છે. જોકે હજુ સુધી આ પ્રસ્તાવને મંજૂરી મળી નથી.
ગ્રામજનોમાં એવી પણ નારાજગી જોવા મળી રહી છે કે વર્ષોથી રસ્તાની સમસ્યા હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા સમયસર સર્વે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોનું કહેવું છે કે અધિકારીઓ સામાન્ય રીતે રજૂઆત બાદ જ હરકતમાં આવે છે, જ્યારે આવા પ્રશ્નોનું અગાઉથી નિરાકરણ લાવવું જોઈએ.
હાલમાં રસ્તાના અભાવે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિકાસના દાવાઓ વચ્ચે છઠ્ઠી આમલી વસાહતની સ્થિતિ અનેક સવાલો ઉભા કરી રહી છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે માર્ગ નિર્માણની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ