વડોદરામાં ‘પહેલી-4’ એક્ઝિબિશન-કમ-સેલનો પ્રારંભ, મહિલા ઉદ્યોગસાહસિકોને મળ્યું સશક્ત મંચ
વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : મહિલા સશક્તિકરણ અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘના મહિલા ડિવિઝન – મધ્ય ગુજરાત ઝોન દ્વારા બે દિવસીય ‘પહેલી-4’ એક્ઝિબિશન-કમ-સેલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. અલકાપુરી સ્થિ
મહિલા


મહિલા


વડોદરા, 04 જુલાઈ (હિ.સ.) : મહિલા સશક્તિકરણ અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘના મહિલા ડિવિઝન – મધ્ય ગુજરાત ઝોન દ્વારા બે દિવસીય ‘પહેલી-4’ એક્ઝિબિશન-કમ-સેલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. અલકાપુરી સ્થિત શ્રી દિગંબર જૈન સમાજ મંદિર પરિસરમાં તા. 4 અને 5 જુલાઈ, 2026 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા હેન્ડમેડ, ઘરગથ્થુ, કલા અને હસ્તકલા આધારિત ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘના અધ્યક્ષ રમેશભાઈ શાહ તથા ચાન્સેલર રાજેશ દોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, મહિલા ઉદ્યોગસાહસિકો અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પૂર્વ અધ્યક્ષ સર્વતોભદ્ર મહેશચંદ્ર શાહ અને ગવર્નર જતીનભાઈ શાહ દ્વારા મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમનું ઉદ્ઘાટન ગીતાબેન ધનપાલભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે દીપ પ્રજ્વલન ડૉ. મીઠાઈ ઘોડા (BHMS, PGDCTM) દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા હેન્ડીક્રાફ્ટ, હોમમેડ ફૂડ પ્રોડક્ટ્સ, ગિફ્ટ આઇટમ્સ, લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ અને અન્ય સર્જનાત્મક કૃતિઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

આયોજકોના જણાવ્યા મુજબ, ‘પહેલી-4’ માત્ર એક પ્રદર્શન-વેચાણ મેળો નથી, પરંતુ મહિલાઓની પ્રતિભા, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતું એક સશક્ત પ્લેટફોર્મ છે. આ કાર્યક્રમ મહિલાઓને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવાની સાથે સમાજ સમક્ષ પોતાની કૌશલ્ય અને પ્રતિભા રજૂ કરવાની ઉત્તમ તક પણ પૂરી પાડે છે.

આ બે દિવસીય કાર્યક્રમનો સમાપન સમારોહ તા. 5 જુલાઈ, 2026ના રોજ સાંજે 7:00 વાગ્યે યોજાશે. સમાપન પ્રસંગે શ્રેષ્ઠ અને આકર્ષક સ્ટોલને વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે તેમજ કાર્યક્રમનો અહેવાલ અને ઉપસ્થિત મહિલાઓ તથા મહાનુભાવોના પ્રતિભાવો રજૂ કરવામાં આવશે.

આયોજકોએ વડોદરાવાસીઓને પરિવાર સાથે આ પ્રદર્શનની મુલાકાત લઈ મહિલા ઉદ્યોગસાહસિકોના પ્રયાસોને પ્રોત્સાહન આપવા અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande