


પોરબંદર, 04 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં આવેલી મજીવાણા પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. દોઢ વર્ષ પહેલાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી સબ ડિવિઝનનો કોડ ફાળવાયો નથી. પરિણામે કચેરીમાં હાલ માત્ર ફોલ્ટ સેન્ટર તરીકે જ કામગીરી થઈ રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ ટેલિકોમ એડવાઈઝર કમિટીના પૂર્વ સભ્ય માલદેભાઈ ઓડેદરાના જણાવ્યા મુજબ બરડા પંથકની વીજ સમસ્યાના ઝડપી ઉકેલ માટે મજીવાણા પેટા વિભાગીય કચેરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોડના અભાવે કચેરીનો મૂળ હેતુ સિદ્ધ થઈ શક્યો નથી. બીજી તરફ બરડા પંથકમાં પીજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.બરડો વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી વીજ સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને સામાન્ય વરસાદમાં પણ અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાય છે. છેલ્લા 17થી 18 વર્ષથી જર્જરિત વીજ વાયર, પોલ અને એંગલ બદલવાની કામગીરી પણ કરવામાં આવી નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા. વારંવાર રજૂઆત છતાં પૂરતું મટીરિયલ ઉપલબ્ધ ન હોવાનું કારણ દર્શાવવામાં આવે છે. જેને લઈને વિસ્તરામાં વીજ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિકોએ મજીવાણા સબ ડિવિઝનને તાત્કાલિક કોડ ફાળવવા તેમજ બરડા પંથકમાં વીજ વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya