

પાટણ, 04 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાટણ અને સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. હારીજ, ચાણસ્મા અને સિદ્ધપુરમાં 2-2 ઇંચ તેમજ સમીમાં 1 ઇંચ વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી.
ભારે વરસાદના કારણે પાટણ શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરવો પડ્યો હતો. પદ્મનાથ ચોકડીથી રેડક્રોસ ભવન અને સાંઈબાબા નગર સોસાયટી રોડ સુધી પાણી ભરાતા શાળાના બાળકો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બી.એમ. શાળાના વિદ્યાર્થીઓ ગરનાળાની બાજુમાંથી જોખમી રીતે સાયકલ પસાર કરતા જોવા મળ્યા હતા.
વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, લાંબા સમય બાદ પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને આગામી પાક માટે લાભદાયી બનવાની આશાએ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ