

પાટણ, 04 જુલાઈ (હિ.સ.)નગરપાલિકાને મળેલી બાતમીના આધારે પાટણના ખાટકીવાડા વિસ્તારમાં અગાઉ સીલ કરાયેલા વાડાઓમાં સીલ તોડીને ફરી ગેરકાયદેસર સ્લોટરિંગ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે સ્થળ પર દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરીને જીવતા પક્ષીઓ રાખવામાં આવ્યા હોવાનું જણાતા ટીમે પક્ષીઓને કબ્જે લીધા હતા. જપ્ત કરાયેલા પક્ષીઓને સુરક્ષિત રીતે જીવદયા સંસ્થામાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સીલ તોડીને પ્રવૃત્તિ ચલાવવાના મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
કાર્યવાહી બાદ ખાટકીવાડાના કેટલાક રહીશો નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ચીફ ઓફિસરને ઘેરવાનો પ્રયાસ થતાં પોલીસે કોર્ડન બનાવી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ