
જૂનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ માણાવદર તાલુકાના બૂરી ગામે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ઓએનજીસી કંપનીના ફસાયેલા 10 કર્મચારીઓનુ વહીવટી તંત્ર અને હોમગાર્ડની ટીમ દ્વારા સુરક્ષિત અને સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
આ ઘટના અંગે માણાવદર મામલતદાર કચેરી ખાતે કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલરૂમને માહિતી મળી હતી. તેના અનુસંધાને હોમગાર્ડની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
હોમગાર્ડની ટીમે પૂરના ધસમસતા પાણી અને કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ભારે જહેમત ઉઠાવીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમની કુશળતા અને ત્વરિત આયોજનને કારણે પાણીમાં ફસાયેલા તમામ 10 કર્મચારીઓને કોઈ પણ પ્રકારની ઈજા વગર હેમખેમ બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ