
જુનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવા તેમજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ઠરાવ તથા સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના હુકમ અન્વયે, જિલ્લા કક્ષાની જિલ્લા નિરીક્ષક જમીન દફતર (DILR), વર્ગ-૨ સંવર્ગની જગ્યાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષક (ILR), વર્ગ-૨ ની ૧૦ નવી તાલુકા કક્ષાની કચેરીઓ નવા સરનામે કાર્યરત કરવામાં આવી છે.
આ વિકેન્દ્રીકરણનો મુખ્ય હેતુ તાલુકા કક્ષાએ ઉદભવતા પ્રશ્નોનું આયોજનબદ્ધ અને ઝડપી નિરાકરણ લાવવાનો છે. અરજદારોને પોતાની કામગીરી માટે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવાના બદલે, તેઓના રહેઠાણથી નજીક તાલુકા કક્ષાએ જ તમામ સેવાઓ ઝડપથી મળી રહેશે.
નવી કાર્યરત થયેલી આ કચેરીઓની વિગતો મુજબ જૂનાગઢ (શહેર) ખાતે જમીન દફતર નિરીક્ષકની કચેરી પ્રથમ માળ, જૂની આયુર્વેદિક કોલેજ બિલ્ડીંગ, સરદારબાગ, જૂનાગઢ ખાતે કાર્યરત કરાઈ છે. જ્યારે જૂનાગઢ (ગ્રામ્ય) વિસ્તાર માટે પણ જમીન દફતર નિરીક્ષક (શહેર) ના વડા હેઠળ આ જ સ્થળે એટલે કે પ્રથમ માળ, જૂની આયુર્વેદિક કોલેજ બિલ્ડીંગ, સરદારબાગ, જૂનાગઢ ખાતેથી કામગીરી હાથ ધરાશે. વિસાવદર તાલુકાની કચેરી પ્રાંત અધિકારીશ્રીની કચેરી, મુ.માંડાવડ, તા.વિસાવદર ખાતે. ભેંસાણ તાલુકાની કચેરી મામલતદાર કચેરી, પરબ રોડ, મુ.પો.ભેંસાણ ખાતે કાર્યરત કરવામાં આવી છે.
આ ઉપરાંત, મેંદરડા તાલુકાના અરજદારો માટે તાલુકા સેવા સદન, આલીધ્રા રોડ, મુ.પો.મેંદરડા ખાતે વ્યવસ્થા કરાઈ છે. માળીયા હાટીના ખાતે જમીન દફતર નિરીક્ષકની કચેરી જૂની મામલતદાર કચેરી, કોર્ટ રૂમ બિલ્ડીંગ, લીમડા ચોક, કોર્ટ ચોક, મુ.-તા.માળીયા હાટીના ખાતે કાર્યરત રહેશે. કેશોદ તાલુકાની કચેરી તાલુકા સેવા સદન, માંગરોળ રોડ, મુ.કેશોદ ખાતે અને માંગરોળ તાલુકા માટે મામલતદાર કચેરી કમ્પાઉન્ડ, મુ.પો.માંગરોળ ખાતેથી સેવાઓ ઉપલબ્ધ બનશે. વંથલી તાલુકાની કચેરી તાલુકા સેવા સદન, દીલાવર નગર, મુ.પો.તા.-વંથલી ખાતે તેમજ માણાવદર તાલુકાની કચેરી તાલુકા સેવા સદન-માણાવદર, મામલતદાર કચેરી, શાક માર્કેટ રોડ, પોસ્ટ ઓફિસ સામે, માણાવદર ખાતે કાર્યરત કરવામાં આવી છે. આ તમામ કચેરીઓ જે-તે તાલુકાના જમીન દફતર નિરીક્ષકના વડા હેઠળ કાર્ય કરશે, જેથી સ્થાનિક લોકોને તેનો વ્યાપક લાભ મળશે એમ સુપરિન્ટેન્ડેન્ટ (લેન્ડ રેકોર્ડઝ, જૂનાગઢ )એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ