
જુનાગઢ 4 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં છેલ્લા ૨ દિવસમાં થયેલા અતિભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે રોગચાળો ન ફેલાય તે માટે તાલુકાનું આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે એક્શન મોડમાં આવી ગયું છે. માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના માર્ગદર્શન હેઠળ આજરોજ તાલુકાના તમામ વિસ્તારોમાં સઘન આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે CHO, MPHW, FHW અને આશા બહેનો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 'હાઉસ ટુ હાઉસ' (ઘર-ઘર) સર્વેલન્સ હાથ ધરીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરી યોગ્ય રીતે થાય તે માટે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર્સ તેમજ આયુષ મેડિકલ ઓફિસર્સ (Ayush M.O.) દ્વારા સ્થળ પર જઈને સતત સુપરવિઝન અને મોનિટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ ખામી ન રહી જાય.
ચોમાસાના અને વરસાદી વાતાવરણના લીધે કોઈ કટોકટી ઉભી ન થાય તે માટે, નજીકના દિવસોમાં જે બહેનોની ડિલિવરીની તારીખ (EDD) હોય તેવી સગર્ભા બહેનોની આરોગ્ય સ્ટાફ દ્વારા ખાસ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તેઓને વરસાદી માહોલમાં સાવચેતી રાખવા જરૂરી તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને કોઈ પણ નાની-મોટી તકલીફ જણાય તો તાત્કાલિક સંપર્ક કરી નજીકના સરકારી દવાખાને પહોંચવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
વરસાદ બાદ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે MPHW અને અન્ય સ્ટાફ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન સાધીને ગામના પાણીના સ્ત્રોતોમાં સઘન ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ પાણીની ગુણવત્તા ચકાસવા માટે ઓ.ટી. ટેસ્ટ (O.T. Test) પણ કરવામાં આવી રહ્યા છે.
આરોગ્ય સેવાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે CHO (કમ્યુનિટી હેલ્થ ઓફિસર) દ્વારા જુદા જુદા ગામોમાં ઓ.પી.ડી. (OPD) કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેથી કોઈપણ બીમાર વ્યક્તિને ઘરઆંગણે જ ત્વરિત સારવાર મળી રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ