ઇન્સ્ટાગ્રામ પર પ્રેમનું નાટક, લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મનો આરોપી અંજારમાંથી ઝડપાયો; રાજસ્થાન પોલીસને સોંપાયો
કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના અંજાર તાલુકામાંથી આજે એક એવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેના પર રાજસ્થાનના ગંગાનગરમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને યૌન શોષણ કર્યાનો ગંભી
ગંગા નગર દુષ્કર્મ કેસનો આરોપી


કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના અંજાર તાલુકામાંથી આજે એક એવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેના પર રાજસ્થાનના ગંગાનગરમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને યૌન શોષણ કર્યાનો ગંભીર આરોપ છે. રાજસ્થાનમાં ગુનો નોંધાયા બાદ આરોપી કચ્છના અંજાર તાલુકાના વીડી ગામમાં આવી છુપાયો હોવાનું બહાર આવતા અંજાર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપી દીધો.

પ્રાપ્ત માહિતી મુજબ, ગંગાનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69 હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી સાજીદ અલીમામદ મંગરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર આરોપીએ ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીનો સંપર્ક સાધ્યો હતો. શરૂઆતમાં ખોટી ઓળખ આપી વિશ્વાસ જીત્યા બાદ તેણે યુવતીને લગ્નનું વચન આપી પ્રેમ સંબંધમાં બાંધી હતી. ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપીને યુવતીનું યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

ઘટના બાદ આરોપી પોતાના વતન વીડી ગામ, તાલુકો અંજાર, જિલ્લામાં કચ્છ આવી ગયો હતો. રાજસ્થાન પોલીસ તરફથી આરોપીને શોધી કાઢવા માટે અંજાર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અંજાર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વમાં પોલીસ ટીમે બાતમીના આધારે વીડી ગામમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી સાજીદ અલીમામદ મંગરીયાને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હેઠળ ડિટેઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજસ્થાનથી આવેલી પોલીસ ટીમને આરોપીનો કબ્જો સોંપવામાં આવ્યો છે, જેથી ગંગાનગર ખાતે નોંધાયેલા ગુનામાં આગળની કાર્યવાહી હાથ ધરી શકાય.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે રાજસ્થાન પોલીસ સાથે સંકલન સાધીને સફળ કામગીરી પાર પાડી હતી. સોશિયલ મીડિયા દ્વારા ખોટી ઓળખ ઉભી કરીને યુવતીઓને છેતરવાના વધતા બનાવોની વચ્ચે આ કેસ ફરી એક વખત સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ઈશારો કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande