ત્રણ વર્ષ જૂની બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: અંજારના અબ્બાસ વિરાની ધરપકડ, બે ચોરાયેલી મોટરસાયકલ કબજે
કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ત્રણ વર્ષ પહેલાં બનેલી મોટરસાયકલ ચોરીની ઘટનાનો ભેદ આખરે ગાંધીધામ ''બી'' ડિવિઝન પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી કુલ બે ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી છે. આરોપીની પૂછપરછ દરમિય
ગાંધીધામ બાઇક ચોરી કેસનો આરોપી


કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ત્રણ વર્ષ પહેલાં બનેલી મોટરસાયકલ ચોરીની ઘટનાનો ભેદ આખરે ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી કુલ બે ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન વર્ષ 2023માં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો પણ પર્દાફાશ થયો છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધિત તેમજ વાહન ચોરીના ગુનાઓને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે નજર રાખવામાં આવી રહી હતી.

આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામના મચ્છુનગર વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિને મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવતા તેણે વર્ષ 2023 દરમિયાન ગાંધીધામના ખન્ના માર્કેટ વિસ્તારમાંથી એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. વધુ તપાસ દરમિયાન તેની પાસેથી બીજી એક યામાહા એફઝેડ મોટરસાયકલ પણ મળી આવી હતી, જે અંગે પણ પોલીસ તપાસ શરૂ કરી છે.

પોલીસે ઝડપાયેલ આરોપીની ઓળખ અબ્બાસ રમજાન વિરા (ઉંમર 25), રહે. નવાનગર, લાકડા ફળિયા પાસે, અંજાર તરીકે કરી છે. આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 106 તથા 35(1)(ઈ) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બંને મોટરસાયકલના મૂળ માલિકો તેમજ અન્ય સંભવિત ગુનાઓ અંગે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે રૂ. 90 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં GJ-12-EF-4152 નંબરની હીરો સ્પ્લેન્ડર પ્લસ (અંદાજિત કિંમત રૂ. 50 હજાર) અને GJ-10-BA-0136 નંબરની યામાહા એફઝેડ (અંદાજિત કિંમત રૂ. 40 હજાર)નો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અબ્બાસ રમજાન વિરા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેના વિરુદ્ધ ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં જી.પી. એક્ટ હેઠળનો એક ગુનો તેમજ વાહન ચોરીનો એક ગુનો નોંધાયેલ છે. ઉપરાંત અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021, 2023 અને 2024 દરમિયાન વાહન ચોરીના કુલ છ ગુનાઓ નોંધાયેલા છે. આમ આરોપી સામે અત્યાર સુધી વાહન ચોરી સહિત કુલ આઠ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસની આ સફળ કામગીરીથી ત્રણ વર્ષથી વણઉકેલાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાથે જ આરોપીના ગુનાહિત નેટવર્ક અને અન્ય વાહન ચોરીના બનાવો અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande