
કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામમાં નોંધાયેલા કરોડોની માલસામાન હેરાફેરી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેલો વધુ એક આરોપી આખરે રાજસ્થાનના સીકર શહેરમાંથી ઝડપાઈ ગયો છે. ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે લાંબા સમયથી ચાલતી તપાસ અને ચોક્કસ બાતમીના આધારે સફળ કામગીરી હાથ ધરી આરોપીને કાયદાના સકંજામાં લીધો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન અને ગાંધીધામ 'બી' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમે સતત ટેક્નિકલ અને માનવ બાતમીના આધારે તપાસ આગળ વધારી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વર્ષ 2024માં નોંધાયેલા ગુનામાં આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીઓએ કેટલીક ટ્રકોમાં માલ ભરાવી ગંતવ્ય સ્થાને મોકલ્યો હતો, જ્યારે અન્ય વાહનો માટે માલ ભર્યા વિના જ ખોટી બિલ્ટીઓ (લોરી રિસીપ્ટ) તૈયાર કરી હતી. આ કાવતરાના કારણે ફરિયાદીને કુલ રૂ. 61,37,550નું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું.
આ ગુનામાં સંડોવાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ કાર્યવાહી થઈ ચૂકી હતી, પરંતુ નવરતન મહેશ ભાખરા છેલ્લા બે વર્ષથી સતત સ્થળ બદલતો રહી પોલીસની પકડથી દૂર રહ્યો હતો. તાજેતરમાં પોલીસને તેની હાજરી રાજસ્થાનના સીકર જિલ્લામાં હોવાની વિશ્વસનીય માહિતી મળતા વિશેષ ટીમને ત્યાં મોકલવામાં આવી હતી. પોલીસે સચોટ આયોજન સાથે આરોપીને શોધી કાબૂમાં લીધો અને ગાંધીધામ લાવી તેની પૂછપરછ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન એકત્ર થયેલા પુરાવાઓના આધારે નવરતન મહેશ ભાખરા (ઉંમર 27), રહે. તિહાઈ, તાલુકો ફતેહપુર, જિલ્લો સીકર (રાજસ્થાન)ની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે ગુનાહિત વિશ્વાસઘાત, ઠગાઈ અને કાવતરાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ હવે આરોપીની વધુ પૂછપરછ કરી સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેમજ આ પ્રકારની અન્ય કોઈ ઠગાઈમાં તેનો હાથ રહ્યો છે કે નહીં તે દિશામાં પણ સઘન તપાસ આગળ વધારી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar