
કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : માધાપર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા લૂંટના પ્રયાસના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર રહેલા બે આરોપીઓને આજે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી ઝડપી પાડીને કાયદાના હવાલે કર્યા છે. લાંબા સમયથી પોલીસથી બચતા ફરતા આરોપીઓને શોધી કાઢવામાં ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
મળેલી ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી, જ્યાં સઘન તપાસ અને બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ તપાસ મુજબ વર્ષ ૨૦૨૪માં માધાપર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ઘૂસી આરોપીઓએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દુકાનના માલિક પર લોખંડના સળીયાથી હુમલો કરીને તેમના માથા અને ડાબા હાથના ભાગે ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. જોકે આરોપીઓ પોતાની યોજના પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
ઘટના બાદ બંને આરોપીઓ સતત સ્થળ બદલીને પોલીસથી બચવાનો પ્રયાસ કરતા હતા. તેમ છતાં પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેમની હિલચાલ પર નજર રાખી હતી. આખરે બંને આરોપીઓ મધ્યપ્રદેશના ઇન્દોર વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમે ત્યાં પહોંચી સફળ દરોડો પાડી તેમની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અજમેરા વિસ્તારનો રહેવાસી ૩૬ વર્ષીય સુનીલ રામગોપાલ ભાયલ તથા રાજપુરા વિસ્તારનો રહેવાસી ૩૬ વર્ષીય દિનેશ ભગવાન ભાયલનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં તેઓ છેલ્લા બે વર્ષથી ફરાર જાહેર હતા.
આ સફળ કામગીરીમાં PSI એમ. એચ. શીણોલ, ASI સુનિલભાઈ પરમાર, UHC રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજા સહિતની એલસીબી ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આરોપીઓને ઝડપી લીધા બાદ વધુ કાયદેસરની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar