મધરાતે માનવતા અને સતર્કતાનું ઉદાહરણ: પધ્ધર પોલીસે ગુમ થયેલી મહિલાને શોધી પરિવારને પરત સોંપી
કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : કચ્છના પધ્ધર પોલીસ સ્ટેશને સંવેદનશીલતા, ઝડપી કાર્યવાહી અને અસરકારક તપાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી એક મહિલાને સલામત રીતે શોધી કાઢી તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્ય
ગુમ થયેલી મહિલાને પરિવારને સોંપતી પધ્ધર પોલીસ


કચ્છ, 04 જુલાઈ (હિ.સ.) : કચ્છના પધ્ધર પોલીસ સ્ટેશને સંવેદનશીલતા, ઝડપી કાર્યવાહી અને અસરકારક તપાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી એક મહિલાને સલામત રીતે શોધી કાઢી તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે. આ સફળ કામગીરીને કારણે પોલીસની માનવતાભરી કામગીરીની સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.

કચ્છ જિલ્લામાં તેમજ આસપાસના જિલ્લાઓમાંથી ગુમ થયેલા વ્યક્તિઓને ઝડપથી શોધી તેમના પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ પરિવારોમાં ફરીથી સુખ, શાંતિ અને વિશ્વાસ જળવાઈ રહે તેવો છે.

આ જ દિશામાં બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની ટીમ ગુમ થયેલી મહિલાની શોધખોળ માટે પધ્ધર વિસ્તારમાં પહોંચી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ખાંટે તપાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. મધરાતનો સમય હોવા છતાં તેમણે વિલંબ કર્યા વિના પોતાની ટીમને તાત્કાલિક સક્રિય કરી તપાસ શરૂ કરાવી હતી.

તપાસ દરમિયાન મહિલા મળી શકે તેવા તમામ સંભવિત સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાથે જ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ, ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રો પાસેથી મળતી માહિતીના આધારે તપાસને આગળ ધપાવવામાં આવી હતી. સતત પ્રયાસો અને સુનિયોજિત કામગીરીના પરિણામે ગુમ થયેલી મહિલાને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.

મહિલાની સુરક્ષાની ખાતરી કર્યા બાદ તેને તેના પરિવારજનો સાથે સુખદ રીતે મિલન કરાવવામાં આવ્યું હતું. લાંબા સમયથી ચિંતામાં મુકાયેલા પરિવાર માટે આ ક્ષણ રાહત અને ખુશીની સાબિત થઈ હતી.

પધ્ધર પોલીસની આ કામગીરી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ માનવતા, સંવેદના અને ફરજનિષ્ઠાનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે. ગુમ થયેલી મહિલાને સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપવાની આ કામગીરીને લઈ સ્થાનિક લોકો તેમજ સંબંધિત પોલીસ તંત્ર દ્વારા પધ્ધર પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande