
અમરેલી,04 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે નિર્માણ પામેલા તાલુકા સ્પોર્ટ્સ સંકુલની સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્થળ મુલાકાત લઈ રમતગમત માટે ઉભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંકુલમાં ઉપલબ્ધ રમતગમતના માળખાકીય વિકાસની સમીક્ષા કરી તેમજ હજુ બાકી રહેલી અને જરૂરી સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
ધારાસભ્યએ સ્પોર્ટ્સ સંકુલમાં વિવિધ રમતો માટે તૈયાર કરવામાં આવેલા મેદાનો, તાલીમ માટેની વ્યવસ્થાઓ, ખેલાડીઓ માટેની સુવિધાઓ અને અન્ય માળખાકીય વિકાસનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી સંકુલને વધુ આધુનિક અને સર્વસુવિધાસભર બનાવવા માટે જરૂરી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાત દરમિયાન ખેલાડીઓ અને યુવાનોને ગુણવત્તાસભર તાલીમ અને શ્રેષ્ઠ રમતગમતનું વાતાવરણ મળી રહે તે માટે જરૂરી રમતગમતના સાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેસવાની વ્યવસ્થા, પ્રકાશ વ્યવસ્થા, પીવાના પાણી, સ્વચ્છતા સહિતની અન્ય આવશ્યક સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં જે સુવિધાઓનો અભાવ છે તે શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ધારાસભ્યએ જણાવ્યું કે તાલુકાના પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાના વિસ્તારમાં જ ઉચ્ચ કક્ષાની રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. સ્પોર્ટ્સ સંકુલ સંપૂર્ણપણે કાર્યરત બન્યા બાદ તાલુકાના યુવાનોને વિવિધ રમતોની તાલીમ મેળવવાની વધુ સારી તક મળશે અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે ખેલાડીઓને તૈયાર કરવામાં પણ મદદ મળશે.
મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંકુલના બાકી રહેલા વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરી રમતવીરોને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai